Sunday, September 1, 2019

Book Review : The Myth Of The Holy Cow

✨ પુસ્તકપરિચય :-

🌟 નામ : "The Myth Of The Holy Cow"
🌟 લેખક: ઇતિહાસકાર "દ્વિજેન્દ્ર ઝા"

હિન્દૂ સંસ્કૃતિમાં ગાય એ કદાચ આપણી માતા કરતા પણ ઉંચો દરજ્જો ભોગવી રહી છે. ગાય હિન્દૂ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તેને લઈને એ હદે પ્રચાર થાય છે કે તેના રક્ષણ માટે સૈકડ઼ોં હિંસા પણ ઉચિત ઠરે. ઘણા સાચા-ખોટા પ્રચાર વડે હિંદુઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે.

પણ શું ગાય ઐતિહાસિક રીતે પૂજનીય ધાર્મિક પશુ હતું? આ સવાલનો જવાબ ઇતિહાસકાર આપણા "ભવ્ય ભૂતકાળ" માં છુપેલ સંદર્ભો અને પુરાવાઓ વડે આપી "ના" કહે છે.તેથી વિપરીત ગૌમાંસ આર્યોનું પ્રિય ભોજન હતું તેવું નિષ્કર્ષ નીકળે છે!



આ સંદર્ભોને વેદિકકાળ,અનુ-વેદિકકાળ,જૈન-બૌદ્ધ કાળ, અનુ-બૌદ્ધકાળ, બિનધાર્મિક ગ્રંથો તેમજ આદિ શંકરાચાર્ય પછીના સમય પ્રમાણે તબક્કાવાર ચકાસીએ.

✴ ઋગ્વેદમાં ઇન્દ્રને રીઝવવાની ઋચાઓ છે. જેમાંની કેટલીક ઋચાઓ આખલાના માંસ વડે ઇન્દ્રને રીઝવે છે.અન્ય ઋચામાં ઇન્દ્ર ૧૦૦ ભેંસોને આરોગી જાય છે તે વર્ણન છે. એટલું જ નહીં; ઘોડા,બળદ,આખલા,ગાય,ઘેટાં વગેરે પશુઓની બલિનું વર્ણન ઋગ્વેદમાં જોય શકાય છે.લગ્ન સમયે ગાયની બલિ ચડાવવાની પ્રથા પણ  નજરે ચડે છે.[ઋગ્વેદ.૧૦.૬૮,૧૦.૨૮,૧૦.૨૭,૬.૧૭,૮.૪૩,૧૦.૯૧,૧૦.૧૬ વગેરે] દૂધ,ઘી,ગૌમાંસ,પશુમાંસ વગેરે વેદિક દેવોના રોજિંદા ખોરાક હતા.
                

✴ અનુ-વેદિકકાળ...
બ્રાહ્મણા અને સંહિતા પૂર્વ અનુ-વેદિક બ્રાહ્મણગ્રંથો ગણાય છે;જે મૂળભૂત રીતે વેદોનું વિસ્તરણ છે.તૈત્તરીય સંહિતામાં ૧૮૦ પ્રકારની પશુબલિ અને પશુ-માંસનું વર્ણન છે.તૈત્તરીય સંહિતા.૬.૧.૭ માં ગાય બલિનું વિસ્તૃત વર્ણન છે. રાજસૂયા અને વાજપેય યજ્ઞ માટે ગાયની બલિ ઉત્તમ ગણાતી. શતપથ બ્રાહ્મણા મુજબ મારુત દેવને પ્રસન્ન કરવા ગૌમાંસ ચડાવાતું.તૈત્તરીય બ્રાહ્મણા ગાયને શુદ્ધ ભોજન કહે છે,અગત્સ્ય યજ્ઞમાં ૧૦૦ બળદોની બલિ આપે છે તેના વખાણ કરે છે.આ ગ્રંથોમાં વિસ્તારમાં પશુબલિનું વર્ણન છે ;જે મુજબ અગ્નેયદ્યેય યજ્ઞની તૈયારી માટે ગાય નું સ્થાન નક્કી કરે છે, અધ્વર્યુ (મુખ્ય કર્તા)પદ્ધતિસર પ્રાણીઓના અંગો કાપે છે. ગાયની બલિ માંગતા યજ્ઞને ગોસવ યજ્ઞ કહેવાતો. ઘોડાની બલી માંગતો અશ્વમેધ યજ્ઞ ઉચ્ચ કક્ષાનો યજ્ઞ ગણાતો.

ગૃહસૂત્રોમાં પણ પશુબલિનું સમર્થન જોઈ શકાય. રુદ્ર માટે આખલાની બલિ સારી કહેવાતી.અપસ્તંબ ધર્મસુત્રની શ્રાધ્ધવિધિમાં બળદ નું માંસ ખવાતું.પરાશર ધર્મસુત્ર મુજબ મૃત્યુ પછીના ૧૧માં દિવસે બ્રાહ્મણો માટે માંસ પીરસવામાં આવતું.

✴ પાશ્ચાત્ય ધર્મગ્રંથો...
મહાભારત,સ્મૃતિ,પુરાણો વગેરે સાપેક્ષે પોસ્ટ-વેદિક ગ્રંથો માનવામાં આવે છે. તેમાંના ઘણા જૈનીસ્મ અને બુદ્ધિઝમના સમકાલીન રહ્યા છે; તો કેટલાક પોસ્ટ-બુદ્ધિસ્ટ સમયના છે.
મનુસ્મૃતિએ ગાયને પવિત્ર જાહેર કરી નહતી.તેથી વિપરીત કેવા પશુઓનું માંસ ખાદ્ય છે અને કેવા પશુઓ અખાદ્ય છે તેનું વર્ણન  છે.મનુસ્મૃતિ મુજબ યજ્ઞમાં પશુબલિ કરનાર યજમાન અને બલિ ચડનાર પશુ બન્ને સ્વર્ગ પ્રાપ્ત કરે છે.યાજ્ઞવલ્કય સ્મૃતિ મજબ બ્રાહ્મણના સ્વાગત હેતુ બળદને કાપી તેનું માંસ પીરસવું જોઈએ.બૃહસ્પતિ સ્મૃતિ મુજબ ધાર્મિક નિયમો અનુસાર માંસ આરોગવામાં કોઈ અધર્મ નથી.

✴ મહાભારત ,રામાયણ અને પુરાણો...
મહાભારત મુજબ શ્રાધ્ધવિધિમાં ગાયના માંસથી ૧૨ મહિના સુધી પિતૃઓ તૃપ્ત રહે છે.દ્રૌપદી જયદ્રથ અને તેના સાથીઓને ૧૫ પ્રકારના હરણના માંસ પીરસવાની વાત કરે છે. પાંડવો હરણનો શિકાર કરી પ્રથમ ભાગ બ્રાહ્મણોને આપે છે અને બાદમાં તેને આરોગે છે.[મહાભારત.૩.૫૦] રાજા રતિદેવ હજારોની સંખ્યામાં ગાયોની બલિ ચડાવી ગૌમાંસ બ્રાહ્મણોને દાન કરે છે;બ્રાહ્મણોને આ રાજા અતિપ્રિય હોય છે. એવું કહેવાય છે કે પશુઓના રક્તથી ચર્મવતી નદી નો જન્મ થયો.(અત્યારની ચંબલ નદી) અનુશાસનપર્વમાં નારદ જે સામગ્રીઓ બ્રાહ્મણને દાન કરવાનું કહે છે તેમાં માંસ નો પણ ઉલ્લેખ છે.[મહાભારત.૧૩.૬૩]

રામાયણ મુજબ દશરથે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો  ત્યારે ૩૦૦ પશુઓની બલિ ચડાવી હતી.વનવાસ ભોગવતા રામે જયારે ઝૂંપડી બનાવી ત્યારે ગૃહપ્રવેશની વીધીહેતુ કાળિયારની બલિ ચડાવી હતી.હનુમાન જયારે સીતાને રામનું વિરહદુઃખ જણાવે છે ત્યારે ઉમેરે છે કે દુઃખી રામ માંસ પણ ખાતા નથી.

વિષ્ણુપુરાણ અનુસાર ઘોડા,બકરી,હરણ,ઘેટાને શ્રાધ્ધવિધિમાં ખાવા ગુણકારી છે.માર્કેન્ડય પુરાણ કહે છે કે ધાર્મિક ક્રિયા હેતુ માંસાહાર કરવાથી પાપ લાગતું નથી. પરશુરામ કહે છે કે બ્રહ્માએ પશુઓનું સર્જન ભોજન માટે કર્યું છે; તેથી પ્રયાપ્ત માત્રામાં શિકાર કરવાથી પાપ થતું નથી.

✴ બુદ્ધિઝમ અને જૈનીસ્મ...
બુદ્ધ અને મહાવીર ને અહિંસાના જનક માનવમાં આવે છે. પરંતુ બૌધ્ધો અને જૈનો પણ માંસાહાર કરતા હતા તેના સંદર્ભો હયાત છે. બુદ્દિસમ મુજબ વૈદ્યની  સલાહ,કુદરતી રીતે મૃત્યુ પામેલ પશુ, પશુ હત્યા થઇ છે તેવી શંકા ના હોય તેવા કારણજનક કિસ્સાઓમાં માંસાહાર ઉચિત છે.એટલે કે બુદ્દિસમ અહિંસક મધ્યમમાર્ગ રૂપે માંસાહારની મંજૂરી આપતું હતું.
ચુસ્ત શાકાહારી ગણાતું જૈનીસ્મ પણ પ્રારંભના તબક્કામાં માંસાહારથી મુક્ત નહતું. અચરંગ સૂત્ર મુજબ જો ભિક્ષુ અજાણતા માંસનો ભિક્ષા રૂપે સ્વીકાર કરે તો તેને નકારી ના શકે. વિપાકસૂત્રમાં મૌસમી માંસાહારનું વર્ણન છે. કલ્પ ભાષ્ય(૬ સદી) કહે છે જે પ્રદેશમાં માત્ર માંસાહાર જ થતો હોય ત્યાં ભિક્ષુએ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઇ ભોજન કરવું જોઈએ.હરિભદ્રસૂરિ (૮ સદી) કહે છે કે પ્રાચીન જૈન ભિક્ષુઓ દાનમાં મળેલ માંસ આરોગતા હતા.એટલે કે જૈનીસ્મ પણ અપવાદ નહતું.

✴ આયુર્વેદ...
ચરક,વાગ્ભટ્ટ,સુશ્રુત વગેરેના ગ્રંથો આયુર્વેદ તરીકે ઓળખાય છે. આ તમામ પ્રાચીન વૈદ્યોએ માંસાહારના રોગપ્રતિકારક ગુણો દર્શાવેલ છે. ચરકસંહિતામાં ૨૮ પ્રાણીઓની યાદી છે જેમનું માંસ ગુણકારી છે. સુશ્રુત સંહિતામાં ૧૬૮ પ્રકારનું માંસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાવ્યું છે. એટલું જ નહીં, કેટલાક રોગની સારવાર માટે ગૌમાંસને પ્રાથમિકતા આપી છે. સુશ્રુત તો એટલે સુધી કહે છે કે ગર્ભવતી સ્ત્રીએ ભાવિ બાળકના સ્વાસ્થ્ય માટે આખલાનું માંસ ખાવું જોઈએ.

✴ સાહિત્યિક રચનાઓ...
કાલિદાસ,ભવભૂતિ વગેરેની રચનાઓ બિનધાર્મિક શ્રેણીની છે.મહાભારતની જેમ કાલિદાસ પણ મેઘદત્ત કાવ્યમાં રતિદેવે કરેલ ગૌબલીઓને વર્ણવે છે.ભવભૂતિ (૭ સદી) ની રચના મહાવિરચિત્ર માં વસિષ્ઠ ક્રોધિત પરશુરામને શાંત કરવા વાછરડાના ભોજનનું પ્રલોભન આપે છે. શ્રીહર્ષ (૧૨ સદી) એ પોતાની રચના નૈષધચિત્રમાં લગ્ન સમયે થતા ગૌમાંસ સહિતના માંસાહારને બતાવ્યા છે. કુમારિલ ભટ્ટ અને આદિ શંકરાચાર્યે વેદિકપશુબલિનો બચાવ કર્યો હતો.

____________________________________

ગાયની “પવિત્ર“ ભ્રમણાને દૂર કરવા આટલા સંદર્ભો પૂરતા છે. પુસ્તકમાં અનેક સંદર્ભો હોય, તમામ જણાવી શકું તેમ નથી. પણ અહીં એક એવો વૈજ્ઞાનિક પુરાવો છે જે પ્રાચીન પશુબલિનો દાવો સાચો સાબિત કરે છે. એચ.ડી.સાંકળિયા નામક પુરાતનશાસ્ત્રીએ સૈકડ઼ોં સદી પૂર્વેના મળેલ વિવિધ પશુઓના હાડકાઓ ઉપર સંશોધન કર્યું હતું; જેમાં પશુ ઉપર તીક્ષણ હથિયાર વડે પ્રહાર થયા હોય તેવા નિશાનો મળી આવ્યા હતા. ખાસ કરીને ગાય/આખલાને મળતા હાડકાઓમાં તેવા નિશાનો સાફ જોવા મળ્યા. એટલે કહેવાતા સતયુગ-દ્રાપરયુગમાં ગૌમાંસ મુખ્ય ભોજન હશે.

લેખકે વિવિધ સંદર્ભો વડે સાબિત કર્યું છે કે ગાય પ્રાચીન સમયમાં પવિત્ર નહીં, પણ સ્વાદિષ્ટ પશુ હતું. જો કે કેવી રીતે ગાય પવિત્ર બની તેનો જવાબ જાણવા મળતો નથી.છતાં પોસ્ટ-બુદ્ધિસ્ટ ગ્રંથોમાં નિયમો આધીન માંસાહાર ઉપરનું નિયંત્રણ દેખી શકાય છે. સમય જતા પશુહિંસાને પાપ ને દરજ્જો મળ્યો ;પણ તે લઘુપાતકની શ્રેણીમાં હતું ,મહાપાતક નહીં.(લઘુપાતક એટલે નાનું પાપ , મહાપાતક એટલે મોટું પાપ) આ કોયડાનો વિસ્તારમાં અર્થપૂર્ણ જવાબ આંબેડકરે આપેલ છે.
            

જો કે આપણા ભવ્ય ઇતિહાસમાં ગાયનું શું સ્થાન હતું તેનો ચોક્સાઈથી જવાબ અહીં જાણી શકાય છે.
( Rusang Borisa  )

No comments:

Post a Comment

Dr. Baba Saheb

 Hello Friends... Welcome to my new blog, but first of  I apologize for not posting blogs in mid time. Today I'm talking about our natio...